ઉતરાયણ પછી પણ પક્ષી સંરક્ષણની ઉડાન – સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનું અનોખું દોરી સંકલન અભિયાન…!!

ઉતરાયણ પછી પણ પક્ષી સંરક્ષણની ઉડાન – સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનું અનોખું દોરી સંકલન અભિયાન…!!

કુલ 24 મણ (૪૮૩ કિલોગ્રામ) દોરીના ગુચ્છ એકત્રિત કરાયો..!

ઉતરાયણ પર્વ આનંદ, ઉત્સાહ અને રંગીન પતંગોથી ભરપૂર હોય છે, પરંતુ પર્વ પૂર્ણ થયા બાદ તૂટેલી પતંગ દોરીઓ અને તેના ગુચ્છો ખુલ્લા મેદાનો, રસ્તાઓ અને વૃક્ષોમાં ફસાઈ રહેતા હોય છે. આવી તૂટેલી દોરીઓ પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી હોવાથી અનેક નિર્દોષ પક્ષીઓ તેમાં ફસાઈને પોતાનો જીવ ગુમાવે છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલનપુર સ્થિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા એક અનોખું અને પ્રશંસનીય પર્યાવરણ તથા પક્ષી સંરક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત ઉતરાયણ પૂર્ણ થયા બાદના દિવસોમાં વિદ્યાર્થીઓને તૂટેલી દોરીઓ અને દોરીના ગુચ્છો એકત્ર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્થાએ જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થી સૌથી વધુ વજનની દોરીઓ એકત્ર કરશે તેને વિશેષ ઇનામ આપવામાં આવશે. આ જાહેરાતથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને બાલમંદિરથી લઈને ધોરણ-૮ સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ઉતરાયણ પૂર્ણ થયા બાદ માત્ર બે દિવસમાં જ વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી તૂટેલી દોરીઓના ગુચ્છો ભેગા કરીને કુલ ૨૪ મણ ૩ કિલોગ્રામ (૪૮૩ કિલોગ્રામ) વજનની દોરી એકત્ર કરી, જે પોતાની જાતે એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જ આપ્યો નહીં, પરંતુ સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

આ પ્રસંગે સૌથી વધુ દોરી એકત્ર કરનાર વિદ્યાર્થીઓને સમાજસેવક નરેશભાઈ ખોલવાડિયા તરફથી વિશેષ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી. સમગ્ર આયોજન શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું.

આ અભિયાનને સફળ બનાવવા માટે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ આચાર્ય, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ખૂબ જ સહયોગ આપ્યો હતો. સંસ્થાએ જણાવ્યું કે , આવી જ પર્યાવરણ અને જીવદયા કેન્દ્રિત પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત કરવામાં આવશે, જેથી બાળકોમાં જવાબદારી, સંવેદનશીલતા અને સેવા ભાવનાનો વિકાસ થાય.

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ

 


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading