ગુજરાત હાઈકોર્ટનો AMCને મહત્ત્વનો નિર્દેશ: શાકભાજી બજારમાં પ્લાસ્ટિક પર સખત પ્રતિબંધ લાદો
પ્લાસ્ટિકના પ્રદૂષણ અને તેનાથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવા તેમજ આ દૂષણને ડામવા માટે સરકાર અને સંસ્થાઓ દ્વારા અનેકો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોર્ટે પણ આ મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરી ટકોર કરી છે. ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને નિકાલ સંબંધિત ગંભીર મુદ્દે દાખલ થયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વનું અને પર્યાવરણ લક્ષી સૂચન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને કર્યું છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠે શાકભાજી અને ફ્રૂટ બજારના વિક્રેતાઓ પર પ્લાસ્ટિકની થેલીઓનો સખત અને અસરકારક પ્રતિબંધ લાદી, તેના બદલે કપડાની થેલીના ઉપયોગની પ્રથા અમલમાં લાવવા ભારપૂર્વક જણાવ્યું છે.
કોર્ટે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે જો AMC સત્તાવાળાઓ અને અધિકારીઓ દ્વારા શાકભાજી કે ફળફળાદિ વેચનારા લોકોની નિયમિત તપાસ કરવામાં આવે અને પ્લાસ્ટિકની થેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તો લોકોને આપોઆપ કપડાની કે કાગળની થેલીનો વિકલ્પ અપનાવવા માટે મજબૂર થવું પડશે. કોર્ટે ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશનું ઉદાહરણ આપ્યું હતું, જ્યાં પ્લાસ્ટિકની થેલી ઉપર પહેલેથી જ સફળતાપૂર્વક પ્રતિબંધ મૂકાયેલો છે.
આ સાથે કોર્ટ દ્વારા સુનવણી દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને AMC દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે હાથ ધરાયેલી કામગીરી અંગેના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. GPCB દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, રાજ્યમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ અને જાગૃતિ માટે 2400થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ત્રણ લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ પ્રયાસો થકી દસ હજાર ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિકના વિકલ્પરૂપે, રાજ્યમાં વિવિધ સ્થળોએ કપડાની થેલી બનાવવા માટેના 250 જેટલા મશીનો મૂકવામાં આવ્યા છે અને દોઢ કરોડ જેટલી મોટી માત્રામાં કપડાની થેલીઓનું લોકોને વિતરણ કરાયું છે. AMC તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, અમદાવાદ શહેરમાં ડોર-ટુ-ડોર કલેકશન પ્રક્રિયા હેઠળ દૈનિક ધોરણે 350 મેટ્રિક ટન પ્લાસ્ટિક એકત્ર થઈ રહ્યું છે. AMCએ 75 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક કપ, પાન મસાલાના પાઉચ, પાણીના પ્લાસ્ટિક પાઉચ વગેરે પર પહેલેથી જ પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં, સપ્ટેમ્બર મહિનાથી 120 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. કોર્પોરેશને અત્યાર સુધીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વિક્રેતાઓ પાસેથી ₹15 કરોડનો દંડ વસૂલ્યો છે અને 16.50 લાખ કપડાની થેલીઓનું વિતરણ કર્યું છે. કસૂરવાર દુકાનોને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સાત ઝોનમાં પ્લાસ્ટિકના નિયંત્રણ માટે થઈ રહેલી અસરકારક અમલવારીની નોંધ લીધી હતી, પરંતુ આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લગતો જરૂરી સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે તાકીદ કરી હતી.
આ જાહેર હિતની રિટ અરજી પર કેસની વધુ સુનાવણી હવે આવતા મહિને નિયત કરવામાં આવી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત હાઈકોર્ટ પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક મુક્ત રાજ્ય માટેના પગલાંને ગંભીરતાથી લઈ રહી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
