ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ માટે અંબાજી સજ્જ

ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ માટે અંબાજી સજ્જ

પાંચ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, ૭૫૦થી વધુ CCTV કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ

દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ, સફાઈ સહિતની વ્યવસ્થા માટે ૨૯ જિલ્લા કક્ષાની સમિતિઓ કાર્યરત

📰 પવન એક્સપ્રેસ

અંબાજી: શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર કેન્દ્ર અંબાજી ખાતે તા. ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળાના સુચારુ આયોજન અને વિવિધ વ્યવસ્થાઓ અંગે માહિતી આપવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન, અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

પત્રકાર પરિષદમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા-સલામતી, પ્રસાદ, પગરખાં, પાણી, ટોઇલેટ અને સફાઈ સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મેળાની સમગ્ર વ્યવસ્થા માટે ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ રચવામાં આવી છે અને દરેક સમિતિની કામગીરી માટે વર્ગ-૧ કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

માઈભક્તોને અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન

જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમ મહામેળામાં આવતા માઈભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ કે અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો માઈભક્તોને અંબાજી પધારવા અને મા અંબાના દર્શન કરવા તેમણે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું.

કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમો દ્વારા મેળાનો પ્રચાર-પ્રસાર કરવા પણ અનુરોધ કર્યો હતો, જેથી દેશ-વિદેશમાં વસતા ભક્તો પણ અંબાજી મેળાની માહિતી મેળવી મા અંબાના દર્શનનો લાભ લઈ શકે.

૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે ડ્રોન શૉનું આયોજન

મેળા દરમિયાન આ વર્ષે વિશેષ આકર્ષણ તરીકે ડ્રોન શૉનું આયોજન કરવામાં આવ્યું છે. હવામાન અનુકૂળ રહેશે તો તા. ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે ડ્રોન શૉ યોજાશે. ગબ્બર ખાતે પણ વિશેષ રોશની કરવામાં આવી છે.

મેળામાં ૭,૦૦૦થી વધુ સરકારી કર્મચારીઓ વિવિધ કામગીરીમાં ફરજ બજાવશે. સ્વચ્છતા માટે જટાયુ મશીનનો ઉપયોગ કરવામાં આવશે તેમજ દાંતા અને હડાદ રોડ પર ૭૫૦થી વધુ ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે.

પદયાત્રિકો માટે રૂ.૧૦ કરોડનું વીમા કવચ

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતભરમાંથી અંબાજી મહામેળામાં આવતા પદયાત્રિકો માટે રૂ.૧૦ કરોડનું વીમા કવચ આપવામાં આવશે. નજીકના રાજસ્થાનમાં પણ ૫૦ કિલોમીટર સુધી આ લાભ ઉપલબ્ધ રહેશે. બનાસકાંઠા જિલ્લાની હદમાં પદયાત્રા દરમિયાન કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક રૂ.૨ લાખની વીમા સહાય આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫થી ૧૫૦ ટ્રેક્ટરથી સફાઈ

જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેએ જણાવ્યું હતું કે, અંબાજી પદયાત્રા અને મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો તથા ૧૩૫થી ૧૫૦ ટ્રેક્ટરોની મદદથી વિવિધ રૂટ પર સઘન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાત્રિના સમયે પણ સફાઈ કરવામાં આવશે, જેથી સવારે યાત્રિકોને સ્વચ્છ માર્ગો મળી રહે. કચરાપેટીઓ મૂકવા, ફૂડ વેસ્ટ કલેક્શન એજન્સીની નિમણૂક કરવા તેમજ સેવાકીય ચીજવસ્તુઓનું વિતરણ કરતા વાહનો માટે આશરે ૧૦ નિયત સ્થળોએ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ “ફોર્સ” નહીં પરંતુ “ફેસિલિટેશન” તરીકે કામગીરી કરશે

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બેએ સુરક્ષા વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, મેળામાં સુરક્ષા માટે વિવિધ લેયરમાં કામગીરી કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે પદયાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ “ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન” તરીકે કામગીરી કરશે.

મેળાની સુરક્ષા માટે ૫,૦૦૦ જેટલા પોલીસ જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસ જવાનો પણ તૈનાત રહેશે. CCTV મોનીટરીંગ માટે ખાસ ટીમો કાર્યરત રહેશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે ‘શી’ ટીમ પણ તૈનાત કરવામાં આવશે.

૭૫૦થી વધુ CCTV કેમેરાથી મોનીટરીંગ

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ મેળાની તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, એનાઉન્સમેન્ટ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગ, પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામા સહિતની સુવિધાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર મેળા વિસ્તારનું ૭૫૦ જેટલા CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. અંબાજીથી આશરે ૬૦ કિલોમીટરના વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

સફાઈ માટે માઈક્રો પ્લાનિંગ, કંટ્રોલ રૂમ, સ્માર્ટ પાર્કિંગ અને બાળ સહાયતા કાર્ડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ મારફતે સેવા કેમ્પ, વાહનો અને મોબાઈલ સેવા કેમ્પની નોંધણી સહિતની કામગીરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવી રહી છે.

પત્રકાર પરિષદ દરમિયાન ઉપસ્થિત પત્રકાર મિત્રોએ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની સુવિધાઓને લઈને વિવિધ સલાહ-સૂચનો આપ્યા હતા, જેને વહીવટી તંત્ર દ્વારા આવકારી જરૂરી વ્યવસ્થાઓ કરવાની ખાતરી આપવામાં આવી હતી.

આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરી પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પત્રકાર પરિષદમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading