સાગરોસણા સરકારી પ્રાથમિક શાળામાં “અંગદાન મહાદાન” જાગૃતિ સહિત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

સાગરોસણા સરકારી પ્રાથમિક શાળામાં “અંગદાન મહાદાન” જાગૃતિ સહિત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ, ભારત માતા ઉત્સવ અને સેવા સમિતિની સંયુક્ત પહેલ; ૧૦૦ વૃક્ષોનું વાવેતર, બાળકોને એજ્યુકેશન કીટ અને ભોજનસેવા

પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર: જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર, ભારત માતા ઉત્સવ અને સેવા સમિતિ તેમજ “જિંદગી ના મિલેગી દોબારા” હેલ્પલાઇન દ્વારા વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગરૂપે સાગરોસણા સરકારી પ્રાથમિક શાળાના બાળકોના લાભાર્થે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત શાળા પરિસરમાં વિવિધ જાતિના ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા વાવેલા વૃક્ષોનો આજીવન નિભાવ અને જતન કરવાની ખાતરી આપવામાં આવી હતી.

બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. ધ્રુવ ભરતભાઈ ગુપ્તા તથા શોભાબેન ગુપ્તા પરિવાર દ્વારા બાળકોને એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. કીટ મળતા બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

“અંગદાન મહાદાન” અંગે બાળકોને જાગૃતિ

અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટમાંથી પધારેલા કમલેશભાઈ રાજગોરે બાળકોને “અંગદાન મહાદાન” વિષય પર મહત્વપૂર્ણ માહિતી આપી હતી. અંગદાનનું મહત્વ, તેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને મળતું જીવનદાન તથા સમાજમાં અંગદાન અંગે જાગૃતિ વધારવાની જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું.

સ્વર્ગીય દલપતભાઈ રાજપૂતની સ્મૃતિમાં ભોજનસેવા

જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપના સહયોગી સભ્ય સ્વર્ગીય દલપતભાઈ રાજપૂતના જન્મદિવસ નિમિત્તે ઉષાબેન કેટરિંગ પરિવાર દ્વારા શાળાના બાળકો માટે ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ રીતે એક જ કાર્યક્રમમાં ભોજનસેવા, એજ્યુકેશન કીટ વિતરણ, અંગદાન મહાદાન જાગૃતિ અને વૃક્ષારોપણ જેવી ચાર મહત્વપૂર્ણ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

બાળકોએ ગરબા અને હનુમાન ચાલીસાથી વાતાવરણ ભક્તિમય બનાવ્યું

કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ સુંદર ગરબાની પ્રસ્તુતિ કરી હતી. સાથે જ બાળકોએ સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

ગ્રુપના સભ્યો ડો. ભારમલભાઈ પટેલ, શોભાબેન ગુપ્તા, વિપુલભાઈ ચૌધરી અને ભાઈચંદભાઈ પટેલ દ્વારા બાળકોને આશીર્વચન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

“જિંદગી ના મિલેગી દોબારા” હેલ્પલાઇન અંગે માહિતી

જયેશભાઈ સોની દ્વારા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ અને “જિંદગી ના મિલેગી દોબારા” હેલ્પલાઇનની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે શાળા પરિવારને માહિતી આપવામાં આવી હતી.

ડો. સુરેન્દ્રભાઈ ગુપ્તાના સહયોગથી શાળાના દરેક બાળકને આયુર્વેદિક ઉપચારો અંગેની ઉપયોગી પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી.

વૃક્ષારોપણ સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ

રાજુભાઈ સૈની દ્વારા બાળકોને ત્રિવેણી સંગમ સેવા કાર્યક્રમ તથા વૃક્ષારોપણ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ માધવન વિપુલભાઈ ઠાકર દ્વારા ભગવદ્‌ગીતાના સંદર્ભ સાથે વૃક્ષોના મહત્વ અને પર્યાવરણ જાળવણી અંગે બાળકોને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભાઈચંદભાઈ પટેલ દ્વારા શાળાની નાની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું.

NSS પરિવારના વિદ્યાર્થીઓનો પણ સેવા સહયોગ

કાર્યક્રમમાં જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સમાંથી પધારેલા ડો. સોહનભાઈ દવે તથા NSS પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા હિતેશભાઈ બારોટ, અશોકભાઈ પઢિયાર, પવનભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ ઠાકર, ડો. સોહનભાઈ દવે, કિરીટભાઈ રાજગોર સહિત જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપના તમામ સભ્યો અને સહયોગીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

શાળા પરિવાર અને સેવાભાવી મિત્રો ઉપસ્થિત રહ્યા

આ સેવાકીય કાર્યક્રમમાં શાળા પરિવારના તમામ સ્ટાફ મિત્રો, શાળાના આચાર્યશ્રી દર્શના બહેન, જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુરના સભ્યો, NSS પરિવારના સ્વયંસેવક મિત્રો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોના શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને માનવસેવા સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા “સેવા એ જ સાચી ભક્તિ”નો સંદેશ આપતો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading