ડીસામાં બનાસકાંઠા જિલ્લા જાગીરદાર રાજપૂત સમાજનો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો
એમબીબીએસની પદવી મેળવી ડોક્ટર તરીકે સેવા આપતા યુવરાજસિંહ ડાભીનું વિશિષ્ટ સન્માન
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ
પવન એક્સપ્રેસ | ડીસા

ડીસા: બનાસકાંઠા જિલ્લા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓના સન્માન માટેનો કાર્યક્રમ ડીસા સ્થિત જલારામ હોલ ખાતે યોજાયો હતો. સમાજના યુવાનોને શિક્ષણ અને કારકિર્દીના ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન મળે તે હેતુથી સતત ચોથા વર્ષે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડીસાના ડાભી યુવરાજસિંહ પ્રહલાદસિંહને તબીબી ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ બદલ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
યુક્રેનથી દિલ્હી સુધીની મહેનત બાદ ડોક્ટરની પદવી
યુવરાજસિંહ ડાભીએ તબીબી અભ્યાસ દરમિયાન સતત મહેનત કરી એમબીબીએસ (MBBS)ની ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે પોતાના અભ્યાસના આશરે છ વર્ષ યુક્રેનમાં પૂર્ણ કર્યા બાદ સાતમા વર્ષે દિલ્હીમાં FMGE/મેડિકલ લાઇસન્સિંગ પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી હતી.
ત્યારબાદ તેમણે બનાસ મેડિકલ કોલેજ, બનાસકાંઠા ખાતે એક વર્ષનું ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યું હતું. હાલમાં તેઓ ગાંધીનગર ખાતેની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
યુવરાજસિંહની આ સિદ્ધિને જાગીરદાર રાજપૂત સમાજ માટે ગૌરવરૂપ ગણાવી કાર્યક્રમમાં તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
તૃપ્તિબા રાહુલના હસ્તે સન્માન
રાજપૂત સમાજનું ગૌરવ ગણાતા તૃપ્તિબા રાહુલ, પ્રમુખશ્રી ગુજરાત પ્રદેશના હસ્તે યુવરાજસિંહ ડાભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન પ્રસંગે તેમના પરિવારજનો તથા સમાજના આગેવાનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.
યુવરાજસિંહની સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની રહે અને સમાજના વધુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડોક્ટર, એન્જિનિયર, IAS અને IPS જેવી પ્રતિષ્ઠિત કારકિર્દી તરફ આગળ વધે તેવી લાગણી કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કરવામાં આવી હતી.
સતત ચોથા વર્ષે તેજસ્વી તારલાઓનું સન્માન
જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા સતત ચોથા વર્ષે વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાતા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને જાહેરમાં બિરદાવવાથી અન્ય વિદ્યાર્થીઓને પણ મહેનત કરીને ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવાની પ્રેરણા મળે છે.
કાર્યક્રમમાં યુવરાજસિંહ ડાભીના મોટા બાપા ભોપાલસિંહ બાપુ (અંધારિયાવાળા) પણ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનો દ્વારા આ સન્માન બદલ બનાસકાંઠા જિલ્લા જાગીરદાર રાજપૂત સમાજ, જાગીરદાર રાજપૂત યુવા સંઘ તથા કાર્યક્રમના આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અંધારિયા ગામ અને સમાજમાં ગૌરવની લાગણી
યુવરાજસિંહ ડાભીની તબીબી ક્ષેત્રે સિદ્ધિ બદલ અંધારિયા ગામ તેમજ જાગીરદાર રાજપૂત સમાજમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. તેમના દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિ સમાજના અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.
શિક્ષણ અને મહેનતના બળે સમાજના યુવાનો પણ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે અને દેશ-સમાજની સેવા કરે તેવો સંદેશ આ સમગ્ર સન્માન સમારોહમાંથી મળ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
