અમદાવાદ એરપોર્ટ પોલીસે બોમ્બ અંગેનું લખાણ મળ્યા બાદ અજાણ્યા ઇસમ સામે ભય ફેલાવવાનો ગુનો નોંધ્યો
દમામથી દિલ્હી જતી ફ્લાઇટમાં ટિશ્યુ પેપર પર “BOMB DEAD 4:30” લખાણ મળતા ઇમરજન્સી લેન્ડિંગ; બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસમાં કશું મળ્યું નહીં
પવન એક્સપ્રેસ | અમદાવાદ
અમદાવાદ: દમામથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ટિશ્યુ પેપર પર બોમ્બ અંગેનું લખાણ મળી આવતા અમદાવાદ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઇટના ક્રૂને ટિશ્યુ પેપર પર “BOMB DEAD 4:30” લખેલું મળ્યા બાદ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે ભય ફેલાવવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટમાં ટિશ્યુ પેપર પર બોમ્બ અંગેનું લખાણ મળી આવ્યા બાદ ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. ફ્લાઇટમાં સવાર ૩૨ મુસાફરો અને ૭ ક્રૂ મેમ્બરોને સલામત રીતે નીચે ઉતારી ફ્લાઇટની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ફ્લાઇટમાં તપાસ કરવામાં આવી હતી, જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળી આવ્યો નહોતો.
મુસાફરો અને ક્રૂના હસ્તાક્ષરના નમૂના લેવાયા
પોલીસ દ્વારા ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો તેમજ ક્રૂ મેમ્બરના હસ્તાક્ષરના નમૂના લેવામાં આવ્યા છે. ટિશ્યુ પેપર પર મળી આવેલા લખાણ સાથે આ હસ્તાક્ષરના નમૂનાઓનું મેચિંગ કરવામાં આવશે. જેના આધારે લખાણ કોણે લખ્યું હતું તે અંગે તપાસ આગળ વધારવામાં આવશે.
ફ્લાઇટની તપાસ પૂર્ણ થયા બાદ તમામ મુસાફરોને દિલ્હી પહોંચાડવા માટે ફ્લાઇટમાં જ રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ અંગે એ.ડી. ચાવડા, પીઆઈ, એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી છે.
(બાઇટઃ એ.ડી. ચાવડા, પીઆઈ, એરપોર્ટ પોલીસ સ્ટેશન)
2609010345061546_20260901034533_379
પવન એક્સપ્રેસ — સત્યની સાથે, જનતાની અવાજ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
