મોરડુંગરા પ્રાથમિક શાળામાં જનપથ સંસ્થાનો સેવાકીય કાર્યક્રમ

મોરડુંગરા પ્રાથમિક શાળામાં જનપથ સંસ્થાનો સેવાકીય કાર્યક્રમ

શાળાની દીકરીઓને સાઈકલ તથા રાશનકીટનું વિતરણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે પ્રેરણાદાયી પહેલ

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા

મોરડુંગરા પ્રાથમિક શાળામાં જનપથ સંસ્થા દ્વારા શાળાની દીકરીઓને સાઈકલ તથા રાશનકીટ વિતરણનો સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો. દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તેમજ શાળાએ આવવા-જવામાં સરળતા રહે તેવા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં કોયલાપુર ગામની દીકરીઓ પણ જોડાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની દીકરીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આદિવાસી ગૌરવ ગીતની પણ ભાવસભર રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જનપથ સંસ્થા દ્વારા આશરે રૂ. 2 લાખની કિંમતની સાઈકલ અને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાઈકલ તથા રાશનકીટ મળતાં દીકરીઓ અને તેમના પરિવારોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં નાયબ મામલતદાર શ્રી જસવંતભાઈ ડાભી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ દાતા અને ટ્રસ્ટી શ્રી હરિણેશ પંડ્યા, શ્રી શંકરભાઈ પટેલ, હડાદ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, સી.આર.સી. શ્રી રાજેશ ધ્રાંગી તથા મોરડુંગરા પ્રાથમિક શાળાની સમગ્ર એસ.એમ.સી. ટીમ ઉપસ્થિત રહી હતી.

આ પ્રસંગે શ્રી શંકરભાઈ પટેલે રૂ. 16,000નું માતબર દાન આપી દીકરીઓના શિક્ષણ અને પ્રોત્સાહન માટે સેવાભાવનાનો પરિચય આપ્યો હતો. તેમના ઉમદા સહયોગ બદલ શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉપસ્થિત મહેમાનોએ દીકરીઓને અભ્યાસમાં સતત આગળ વધવા, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા તેમજ મળેલી તકનો સદુપયોગ કરવા પ્રેરણા આપી હતી. જનપથ સંસ્થાના આ સેવાકીય કાર્યની ઉપસ્થિત સૌએ પ્રશંસા કરી હતી.

કાર્યક્રમની સફળતા માટે જનપથ સંસ્થાના કર્મચારીઓ તથા શાળાના શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. શાળાના આચાર્ય શ્રી પંકજભાઈ પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત મહેમાનો, દાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌએ પ્રીતિ ભોજન લીધું હતું.

જનપથ સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પહેલ દીકરીઓના શિક્ષણ, પ્રોત્સાહન અને સશક્તિકરણ તરફનું એક પ્રેરણાદાયી પગલું બની રહી હતી.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading