ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી: ૯૮૭ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
રૂ. ૬.૧૨ લાખની કિંમતનું શંકાસ્પદ ઘી સીલ કરાયું; બે નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા
પવન એક્સપ્રેસ | બનાસકાંઠા

ડીસા, તા. ૧૩ ઓગસ્ટ: બનાસકાંઠાના ડીસા શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી વિવિધ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા કુલ ૯૮૭ લીટર ઘીનો જથ્થો, જેની કુલ કિંમત રૂ. ૬,૧૨,૨૦૦ છે, જપ્ત કરી સીલ કરવામાં આવ્યો હતો.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરીની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે. ચૌધરી અને એમ.એલ. ગુર્જર જોડાયા હતા.
તપાસ દરમિયાન મે. શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ, જી.આઈ.ડી.સી., ડીસા ખાતે શ્રી વિપુલકુમાર જયંતીલાલ પંચીવાલા પાસેથી ‘હેલ્થ પ્રિમિયમ પ્યોર ઘી’નો ૬૦૦ લીટર જથ્થો, જેની કિંમત રૂ. ૩,૮૦,૦૦૦ છે, મળી આવ્યો હતો.
તે જ રીતે જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ, બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ડીસા ખાતે શ્રી રવીકુમાર અર્જુનભાઈ મહેસુરીયા પાસેથી ‘શ્રેષ્ઠ પ્યોર કાઉ ઘી’નો ૩૮૭ લીટર જથ્થો, જેની કિંમત રૂ. ૨,૩૨,૨૦૦ છે, જપ્ત કરવામાં આવ્યો હતો.
આમ, બંને સ્થળેથી કુલ ૯૮૭ લીટર શંકાસ્પદ ઘીનો રૂ. ૬,૧૨,૨૦૦નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન શંકાસ્પદ ઘીના કુલ બે નમૂના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ લેવામાં આવ્યા છે.
લેવામાં આવેલા બંને નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબોરેટરીના પરીક્ષણના પરિણામોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સંબંધિત પેઢીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ તથા સંબંધિત નિયમો મુજબ કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવાયું છે.
પવન એક્સપ્રેસ | બનાસકાંઠા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
