પાલનપુર ખાતે અંદાજે રૂ.૬૩ કરોડના ખર્ચે નવીન જિલ્લા પંચાયત ભવન નિર્માણ પામશે

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ હયાત જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ લગભગ ૪૫ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું. સમયાંતરે જર્જરિત બનેલા આ ભવનનું NDT ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેના રિપોર્ટના આધારે ભવનને જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે. સરકારશ્રીએ જૂના જિલ્લા પંચાયત ભવનને ડીમોલીશ કરીને તે જ સ્થળે નવીન જિલ્લા પંચાયત ભવન બાંધવાનું મંજુર કર્યું છે. નવા ભવનના નકશા અને અંદાજ મુજબ આશરે રૂ. ૬૩.૦૦ કરોડનો ખર્ચ થવાનો અનુમાન છે, જેમાંથી રૂ. ૫૨.૦૦ કરોડની વહીવટી મંજુરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી ચૂકી છે. બાકી રહેલી રકમ માટેની સુધારિત વહીવટી મંજુરી મેળવવાની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે.
નવી જિલ્લા પંચાયત ભવનના નકશા અને પ્લાન તાંત્રિક મંજુરી માટે સરકારશ્રીને મોકલવામાં આવ્યા છે. તાંત્રિક મંજુરી પ્રાપ્ત થયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઇજારદારની નિમણૂંક કરવામાં આવશે. ત્યારબાદ નવીન જિલ્લા પંચાયત ભવનના નિર્માણ કાર્યોનો સત્તાવાર શુભારંભ થશે. આ દરમિયાન હયાત જિલ્લા પંચાયતની તમામ કચેરીઓને સમયાંતરે અન્ય યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી પણ સુચારૂ રીતે ચાલી રહી છે જેથી વહીવટી કાર્યમાં કોઈ અવરોધ ઊભો ન થાય તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
