રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે
નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે
નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
પ્રવક્તા મંત્રીશ્રી
• ૨૦૧૩ પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે
• મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે
• વડાપ્રધાનશ્રીએ કરેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ માટે આ નવા તાલુકાઓની રચના મહત્વપૂર્ણ બનશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.
રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે, તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા ૧૭ તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના ૦૬ તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહિવટમાં વધુ સશક્ત બનાવવા ATVT એટલે કે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી. વર્ષ ૨૦૧૩માં નવા ૨૩ તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં ૧૭ નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે, તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત @ ૨૦૪૭ના કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ માટે વિકાસશીલ તાલુકાઓ વિકસિત થાય તે દિશામાં નવા જિલ્લા-તાલુકાઓની રચના કરવામાં આવશે. આ નવા ૧૭ તાલુકાઓની રચના થવાથી હાલના ૫૧ વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં ૧૦ તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે.
એટલું જ નહીં, નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પૂરવાર થશે. નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરાશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
