વડગામની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં ૨૨૦૦ વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદી
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોલંકી પરિવાર દ્વારા પ્રેરણાદાયી ભોજન સેવા; રાજકીય, સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત
પવન એક્સપ્રેસ | વડગામ
વડગામ: રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય, વડગામ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના અંદાજે ૨૨૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ભોજન પ્રસાદીના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના પદાધિકારીઓ તેમજ અગ્રણી દાતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ કાળુજી ડી. સોલંકી, જિલ્લા પંચાયત ડેલિગેટ લક્ષ્મીબેન કરેણ, જિલ્લા પંચાયત ડેલિગેટ દેવુસિંહ ભાટી, વડગામ વિ.મા.કે.મં.ના મંત્રી લક્ષ્મણભાઈ સીરવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સોલંકી પરિવાર દ્વારા દર વર્ષે ભોજન સેવા
શાળાના આચાર્યા શ્રીમતી ઉર્વશીબા ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે પણ વર્ષોની પરંપરા મુજબ આચાર્ય ઉદયસિંહ મફાજી સોલંકી અને ચંદનસિંહ એમ. સોલંકી પરિવાર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદી પીરસવામાં આવી હતી.
સોલંકી પરિવાર દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ભોજન સેવાનો આ સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભોજન કરાવી સમાજમાં સેવા, સંસ્કાર અને સહકારની ભાવનાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવી રહ્યો છે.
મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગ્રામજનો જોડાયા
ભોજન પ્રસાદી કાર્યક્રમમાં તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપરાંત ગ્રામજનો તથા શાળાના સ્ટાફે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. સોલંકી પરિવારની આ સેવાભાવનાને ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ બિરદાવી હતી.
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી | વડગામ
— પવન એક્સપ્રેસ | પાલનપુર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
