બનાસકાંઠાના વડગામના રૂપાલ ગામે ભવ્ય લોકમેળો યોજાયો

📰 પવન એક્સપ્રેસ

બનાસકાંઠાના વડગામના રૂપાલ ગામે ભવ્ય લોકમેળો યોજાયો

હજારો ભાવિકોએ શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ

વડગામ, તા. ૩ સપ્ટેમ્બર ૨૦૨૬: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ રૂપાલ ગામે વર્ષો જૂની પરંપરા મુજબ શ્રાવણ વદ સાતમના પવિત્ર દિવસે ભાતીગળ લોકમેળો ભવ્યતાપૂર્વક યોજાયો હતો. લોકમેળામાં આસપાસના ગામો ઉપરાંત દૂરદૂરથી હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

શીતળા સાતમના પાવન પ્રસંગે ભક્તોએ રૂપાલ ખાતે આવેલા પવિત્ર શ્રી શીતળા માતાજીના મંદિરે દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ વિવિધ પ્રસાદી અર્પણ કરી પોતાની માનતા-બાધા પૂર્ણ કરી હતી. ખાસ કરીને પરંપરાગત સુખડીનો પ્રસાદ અર્પણ કરવાની પરંપરા પણ જોવા મળી હતી.

મેળાનો માહોલ રાંધણ છઠની વહેલી સવારથી જ જોવા મળ્યો હતો અને સાતમની મોડી રાત સુધી યાત્રિકોની અવરજવર રહી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તોના ‘જય શીતળા માતાજી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં કોઈ અગવડ ન પડે તે માટે સ્થાનિક ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઉપરાંત મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ યાત્રિકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાહનોની અવરજવર સરળ રહે તે માટે ટ્રાફિક વ્યવસ્થાનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં યોજાયેલા આ લોકમેળામાં હજારો શ્રદ્ધાળુઓએ મેળાની મોજ માણી શ્રી શીતળા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને લોકસંસ્કૃતિનો સુંદર સમન્વય કરતો આ મેળો સમગ્ર વિસ્તાર માટે આસ્થાનું કેન્દ્ર બન્યો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading