મહેસાણા ના હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી અને વીસીઈ ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના હરસુંડલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાના અવસાન બાદ વારસાઈ એન્ટ્રી પાડવા માટે લાંચ માંગનાર તલાટી કમ મંત્રી અને વી.સી.ઇ. (VCE) ને મહેસાણા એસીબીએ ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ, ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમની વડિલોપાર્જિત જમીનમાં ફરિયાદી તથા તેમના પરિવારના સભ્યોના નામ ખાતામાં દાખલ કરવાના હતા. આ કામગીરી માટે હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિવેકભાઇ કિરીટભાઇ ચૌધરી એ એક ખાતાના ૪,૦૦૦ લેખે કુલ ત્રણ ખાતાના ૧૨,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિક એવા ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબી (Anti-Corruption Bureau) નો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીના પી.આઈ. એસ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા આજરોજ તારીખ ૨૦/૦૪/૨૦૨૬ના રોજ હરસુંડલ ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી તલાટી વિવેકભાઇ ચૌધરી અને વી.સી.ઇ. વિશાલકુમાર સેંધાજી ઠાકોરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. લાંબી રકઝકના અંતે ૧૨,૦૦૦ના બદલે ૧૦,૦૦૦ સ્વીકારવાનું નક્કી થયું હતું.
આરોપી વિશાલકુમાર ઠાકોરે તલાટી વતી લાંચના ૧૦,૦૦૦ સ્વીકારતા જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને સ્થળ પર જ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ સફળ ટ્રેપને પગલે જોટાણા પંથકના સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
