સરહદી વિસ્તારના નાગરિકોની પડખે રાજ્ય સરકાર: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેથી રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે

સરકારશ્રી દ્વારા ૧૮૦૦૦ રાશન કીટ પુરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ

સરહદી વિસ્તારના નાગરિકોની પડખે રાજ્ય સરકાર: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેથી રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું

સરકારશ્રી અને તંત્રએ તત્કાલ રાહત-બચાવ અને સહાય માટે કામગીરી કરી :- મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

તંત્ર દ્વારા ૨૨૮ લોકોનું રેસ્ક્યુ તથા ૬૮૬૭ વ્યક્તિઓનું સફળતાપૂર્વક ઝડપી સ્થળાંતર કરાયું :- મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ બનાસકાંઠાના સરહદી પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે. રાજ્ય સરકાર દ્વારા સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં રાહત સામગ્રી સહિતની સહાયની પહોંચાડવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર માટે કુલ ૧૮૦૦૦ રાશન કીટ મોકલવામાં આવી છે.

આજરોજ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતેથી રાજ્ય સરકારના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુરગ્રસ્ત વિસ્તાર માટેની રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું હતું. ૧૫ કિલોની ૧ કીટ એમ કુલ ૧૮૦૦૦ કીટ સરહદી તાલુકાઓમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે વિતરણ કરાશે. ૧૫ કિલોની રાશન કીટમાં ૫ કિલો ઘઉં, ૩ કિલો બાજરી, ૨ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કિલો તુવેરદાળ, ૧ કિલો ચણા, ૧ કિલો મીઠું અને ૧ લીટર તેલનો સમાવેશ થાય છે.

કીટ પ્રસ્થાન વખતે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વરસાદી અસરગ્રસ્ત સરહદી તાલુકા વાવ, થરાદ, સુઈગામ અને ભાભર ખાતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરીંગ કરીને તત્કાલ રાહત-બચાવ અને સહાય માટે કામગીરી કરી છે. ૨૯૬ જેટલા ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા. કલેક્ટરશ્રી સહિત તંત્ર અને NDRF ની ટીમ દ્વારા ૨૨૮ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. કુલ ૬૮૬૭ વ્યક્તિઓનું સફળતાપૂર્વક સ્થળાંતર કરાયું છે. તમામ વિસ્તારમાં તત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપન કરાયો છે. ૨ લાખથી વધુ ફૂડ પેકેટ વિતરણ કરાયા છે. ૮૬ જેટલી વીજળીની ટીમ, ૮૦ જેટલા વેટેનરી ડોક્ટર, ૩૧૬ મેડિકલ ટીમ સહિત અલગ અલગ વિભાગની ટીમોએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારશ્રી સાથે સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, એનજીઓ, બનાસ ડેરી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ સહિતની મદદ કરી છે. બનાસ ડેરીએ પણ આગળ આવીને ૧.૧૫ લાખ ફૂડ પેકેટ, ૧.૧૫ લાખ પાણીની બોટલ સહિત વેટનરી ડોકટરની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલી છે. મોટા ભાગના તમામ રસ્તાઓ શરૂ કરાયા છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

જાહેર વિતરણની વાત કરીએ તો, ભારે વરસાદથી અસરગ્રસ્ત સુઈગામ તાલુકામાં કુલ ૩૪ વાજબી ભાવની દુકાનોમાંથી ૨૨ દુકાનો ખાતે જથ્થો ઉતારવામાં આવ્યો છે, જ્યારે બાકીની ૧૨ દુકાનોમાં જથ્થો પહોંચાડવાની કામગીરી ચાલુ છે. તે જ રીતે, વાવ તાલુકામાં કુલ ૬૦ વાજબી ભાવની દુકાનોમાંથી ૪૬ દુકાનો ખાતે જથ્થો ઉતારવામાં આવ્યો છે અને બાકીની ૧૪ દુકાનો સુધી જથ્થો પહોંચાડવાની કામગીરી ચાલુ છે. સુઈગામ તાલુકાના કુલ ૧૬૦૮૦ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકો તથા વાવ તાલુકાના ૨૯૬૭૭ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને ઝડપથી જથ્થો ઉપલબ્ધ થાય તે માટે પણ દુકાનવાર ટીમ દ્વારા પારદર્શક રીતે ઑફલાઇન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

કીટ વિતરણ વખતે પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત વિવિધ પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: દેવ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading