અમદાવાદ ખાતે દિવ્યાંગ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ
પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું ટ્રોફી અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું
પવન એક્સપ્રેસ | પાલનપુર
અમદાવાદ: અમદાવાદ ખાતે એમ. ઝવેરી ફાર્મ હાઉસમાં પ્રિય કિયાનના જન્મદિવસ નિમિત્તે ઝવેરી પરિવાર દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવ્યાંગ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા સમગ્ર કાર્યક્રમની સંચાલન વ્યવસ્થા સંભાળી દિવ્યાંગ ભાઈ-બહેનો માટે વિશેષ દિવ્યાંગ નવરાત્રી મહોત્સવનું ભાવુક અને સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના દલવાડા ગામના વતની દિવ્યાંગ કપિલ સેધાભાઈ ચૌહાણનું ટ્રોફી અર્પણ કરી તથા શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કપિલ ચૌહાણ હાલમાં નાયબ નિયામક સમાજ સુરક્ષા કચેરી, પાલનપુર ખાતે પાલનપુર તાલુકા સમાજ સુરક્ષા સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
સન્માન બાદ કપિલ ચૌહાણે આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “દિવ્યાંગ નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રહેવા, બેસવા તેમજ ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ અત્યંત ઉત્કૃષ્ટ અને સરાહનીય હતી.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ ભાઈ-બહેનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને તેમને ઉત્સવના આનંદમાં સહભાગી બનાવવા માટે કરવામાં આવેલું આ આયોજન પ્રશંસનીય છે.
આ ભવ્ય અને સુંદર આયોજન બદલ કપિલ ચૌહાણે દિવ્યાંગ ફાઉન્ડેશનના પ્રમુખ તથા મિત્ર શ્રી જગદીશભાઈ રાઠોડ, શ્રી જયેશભાઈ મકવાણા, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રવિણભાઈ મોઢ તેમજ દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદની સમગ્ર ટીમ અને કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ મહાનુભાવોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
દિવ્યાંગ ભાઈ-બહેનોને નવરાત્રીના પર્વની ઉજવણીમાં સમાન રીતે જોડીને કરવામાં આવેલા આ આયોજનને ઉપસ્થિત સૌએ આવકાર્યું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
