ગુજ્જુ લવગુરુના અકસ્માત મામલે આખરે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાઈ.
ભાભર: સોશિયલ મીડિયામાં જાણીતા ઈન્ફ્લુએન્સર અને ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડના માર્ગ અકસ્માતમાં થયેલા કરૂણ મોતના મામલે ભાભર પોલીસ મથકે આખરે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત બાદ બાઈક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થતાં સમગ્ર મામલે તપાસ તેજ બની છે.
મળતી માહિતી મુજબ, તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે આશરે 2 વાગ્યાના સુમારે ભાભર વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુજ્જુ લવગુરુ ચંદન રાઠોડ પોતાના બાઈક નંબર GJ-18-DG-7815 પર જઈ રહ્યા હતા.
દરમિયાન સામેથી આવી રહેલા GJ-08-CL-4210 નંબરના અન્ય બાઈક સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ચંદન રાઠોડને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
અકસ્મતની ઘટનાને પગલે સમગ્ર મામલે ભાભર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામેથી આવનાર બાઈકના ચાલક દ્વારા બેદરકારીપૂર્વક તથા અન્ય લોકોના જીવને જોખમમાં મુકાય તે રીતે બેફામ વાહન હંકારવામાં આવ્યું હોવાના આક્ષેપના આધારે તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાભર પોલીસે બાઈક નંબર GJ-08-CL-4210ના ચાલક સામે ગુનો નોંધી અકસ્માતના સંજોગો, વાહનની ગતિ, ટક્કર કેવી રીતે થઈ અને અકસ્માત માટે જવાબદારી સહિતના મુદ્દાઓ અંગે વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
‘ગુજ્જુ લવગુરુ’ તરીકે સોશિયલ મીડિયા પર જાણીતા ચંદન રાઠોડના અચાનક અવસાનના સમાચારથી તેમના પરિવારજનો, મિત્રો તેમજ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી પ્રસરી હતી. હવે અકસ્માત અંગે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
