📰 પવન એક્સપ્રેસ
પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં મડાણા ખાતે કબડ્ડી અને ખો-ખો સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
એસ.આર.પી. જૂથ-૦૩, મડાણા ખાતે ગુજરાત રાજ્ય આર્મ્ડ યુનિટ આંતરજૂથ કબડ્ડી અને ખો-ખો સ્પર્ધાનો ભવ્ય શુભારંભ
મડાણા | પવન એક્સપ્રેસ



એન્યુઅલ આર્મ્ડ યુનિટ આંતરજૂથ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા-૨૦૨૬ અંતર્ગત રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-૦૩, મડાણા ખાતે કબડ્ડી અને ખો-ખો સ્પર્ધાની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં સ્પર્ધાઓને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, રમતગમત દ્વારા પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બને છે. આંતરજૂથ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાના માધ્યમથી સમગ્ર રાજ્યના વિવિધ એસ.આર.પી. જૂથોની ટીમો એકત્રિત થઈ છે. વડોદરાથી લઈને કેવડિયા કોલોની અને ભચાઉ સુધીની ટીમોએ ખેલદિલી અને ઉત્સાહ સાથે ભાગ લઈને ગુજરાત રાજ્ય પોલીસ દળની એકતા અને ટીમ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
૨૨ એસ.આર.પી. ટીમોએ ફ્લેગ માર્ચ પાસ્ટ કરી
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પોલીસ બેન્ડની સુમધુર સુરાવલી વચ્ચે ૧૪ કબડ્ડી ટીમો અને ૦૮ ખો-ખો ટીમો, એમ કુલ ૨૨ એસ.આર.પી. ટીમોએ શિસ્તબદ્ધ રીતે ફ્લેગ માર્ચ પાસ્ટ કર્યું હતું. ટીમોના શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટથી સમગ્ર કાર્યક્રમમાં ભવ્યતા અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત મહેમાનો, દર્શકો તેમજ શાળાના બાળકોમાં પણ રમતગમત પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રથમ મેચમાં યજમાન મડાણા ટીમનો વિજય
સ્પર્ધાની પ્રથમ લીગ મેચ યજમાન ટીમ મડાણા અને મહેમાન ટીમ વડોદરા વચ્ચે રમાઈ હતી, જેમાં મડાણા ટીમે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ગોધરા અને કલગામની ટીમો વચ્ચે બીજી મેચ રમાઈ હતી, જે પણ રસપ્રદ રહી હતી.
ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર સહિત ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓએ જીવંત મેચ નિહાળી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
અધિકારીઓ અને મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આ ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન જૂથ-૦૩ મડાણાના ઇન્ચાર્જ સેનાપતિશ્રી આર.એલ. ડાંખરા તથા મેનેજમેન્ટ ટીમના સુસંગત આયોજન અને સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી કૌશિક સાધુ, બી.એસ.એફ. બટાલિયન-૨૧ (દાંતીવાડા)ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી એસ.એચ. વેદપાલ સહિત વિવિધ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગેની માહિતી શ્રી નિખિલ પરમાર, પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટરશ્રી, રા.અ.પો.દળ, જૂથ-૦૩, મડાણા દ્વારા અખબારી યાદી મારફતે આપવામાં આવી હતી.
— પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
