બાળ સુરક્ષા વિભાગ અને પ્રયાસ સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને બાળ અધિકારો, કાયદાઓ અને ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ અંગે અપાયું માર્ગદર્શન

બાળ લગ્ન અટકાવવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ

શિક્ષક દિન નિમિત્તે પાલનપુરની બે શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બાળ સુરક્ષા વિભાગ અને પ્રયાસ સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને બાળ અધિકારો, કાયદાઓ અને ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ અંગે અપાયું માર્ગદર્શન

પાલનપુર | પવન એક્સપ્રેસ

શિક્ષક દિન નિમિત્તે તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પાલનપુર શહેરની બે જાણીતી શાળાઓમાં “બાળ લગ્ન અટકાવવામાં શિક્ષકની ભૂમિકા” વિષયને લઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિશેષ સંવાદ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાલનપુરના સલીમપુરા સ્થિત સમતા વિદ્યા વિહાર અને મોટીબજાર સ્થિત સિટી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૨૫૦થી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. આશિષભાઈ જોષી તથા ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને બાળ લગ્નના કારણે થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ ઉપરાંત બાળકોના અધિકારો, બાળકોને લગતા વિવિધ કાયદાઓ તેમજ બાળકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર દ્વારા કાર્યરત ટોલ-ફ્રી ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કિશોરાવસ્થા દરમિયાન બાળકોના જીવનમાં આવતી વિવિધ મુશ્કેલીઓ અને પડકારો તેમજ તેના ઉકેલ અંગે પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. બાળ લગ્ન જેવી સામાજિક કુરિતિને અટકાવવામાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાનું સમજાવી, શિક્ષકોને પણ બાળકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ રહી યોગ્ય સમયે માર્ગદર્શન અને મદદરૂપ બનવા અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ બાળ લગ્નનો વિરોધ કરવા અને પોતે ક્યારેય બાળ લગ્ન ન કરવા અંગે સંકલ્પબદ્ધ થઈ પ્રતિજ્ઞા લીધી હતી.

કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત

આ જાગૃતિ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. આશિષભાઈ જોષી, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ દવે તેમજ પ્રયાસ જુવેનાઈલ સેન્ટર સોસાયટીના શ્રી ચિંતનભાઈ જાદવ અને શ્રી કિશોરભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પવન એક્સપ્રેસ | પાલનપુર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading