📰 પવન એક્સપ્રેસ
વડગામના ઐતિહાસિક શ્રી રામજી મંદિર ખાતે શિખર પ્રતિષ્ઠા યોજાઈ
વિજય મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શિખર પ્રતિષ્ઠા યાગ સંપન્ન

તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
વડગામ, તા. 30 ઓગસ્ટ 2026: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પ્રાચીન શ્રી રામજી મંદિર સંકુલમાં રવિવારના રોજ ભક્તિમય વાતાવરણ વચ્ચે હનુમાનજી મંદિરના શિખર પ્રતિષ્ઠા યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી રામજી મંદિર સંકુલ ખાતે આવેલા હનુમાનજી મંદિરના શિખરની પ્રતિષ્ઠા વિજય મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. શિખર પ્રતિષ્ઠા યાગના મુખ્ય યજમાન તરીકે માંઘજીભાઈ એચ. ડેકલીયા પરિવાર તથા મોહનભાઈ એસ. પંચાલ પરિવાર દ્વારા ધાર્મિક વિધિમાં સહભાગી બની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી રામજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભગવાનભાઈ જે. ડેકલીયા, મંત્રી ઉદયસિંહ એમ. સોલંકી તથા ખજાનચી જીતેન્દ્રભાઈ આઈ. ભટ્ટએ જણાવ્યું હતું કે શ્રી રામજી મંદિર સંકુલ ખાતે હનુમાનજી મંદિરના શિખરની પ્રતિષ્ઠા ધાર્મિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવી છે.
ટ્રસ્ટીઓ દ્વારા સફળ આયોજન
પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રેમજીભાઈ એન. ખસોર, માંઘજીભાઈ એચ. ડેકલીયા, મોહનભાઈ એસ. પંચાલ તથા ડી.વી. સોલંકી સહિત ટ્રસ્ટના સભ્યો દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી.
સમગ્ર શિખર પ્રતિષ્ઠા યાગની ધાર્મિક વિધિ શાસ્ત્રી પ્રવિણભાઈ રાવલ ભાંગરોડીયા, શાસ્ત્રી ચંપકભાઈ ભટ્ટ તથા પૂજારી જગદીશભાઈ રાવલ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે સંપન્ન કરવામાં આવી હતી.
ભક્તિમય વાતાવરણમાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો
શિખર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામ તથા હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ઐતિહાસિક શ્રી રામજી મંદિર ખાતે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગથી વડગામ પંથકમાં પણ શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
