*બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામે સ્વ. રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ.-બેસણા પ્રસંગે 1,000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ*
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામના સ્વર્ગસ્થ રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાનું તા. 16-07-2026ના રોજ હૃદયરોગના હુમલાના કારણે દુઃખદ અવસાન થયું હતું. તેમના નિધનથી પરિવારજનો, સ્નેહીજનો તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી હતી.
સ્વ. રાજેશભાઈની પવિત્ર સ્મૃતિને ચિરંજીવ બનાવવા અને સમાજને હકારાત્મક દિશામાં પ્રેરિત કરવાના ઉમદા હેતુથી તેમના બેસણા પ્રસંગે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. થલવાડા ગામના આગેવાન શ્રી હસમુખભાઈ, તેમના પુત્ર શિવાંશ, શ્રી સુરેશભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી શૈલેષભાઈ, સમગ્ર જાહલિયા પરિવાર તેમજ ગામના યુવાનોના સહયોગથી વૃક્ષારોપણ અને 1,000 વૃક્ષોના નિઃશુલ્ક વિતરણનો વિશાળ કાર્યક્રમ યોજાયો હતો.
આજના સમયમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ, વધતું પ્રદૂષણ, અનિયમિત વરસાદ, વધતું તાપમાન અને કુદરતી સંતુલન ખોરવાઈ જવાની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આવા સંજોગોમાં વૃક્ષોનું મહત્વ અનેકગણું વધી ગયું છે. વૃક્ષો માત્ર ઓક્સિજનનો સ્ત્રોત નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવવા, વરસાદનું ચક્ર જાળવવા, ભૂગર્ભ જળનું સંરક્ષણ કરવા અને આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ જીવન આપવા માટે અત્યંત જરૂરી છે.આ જ સામાજિક દૃષ્ટિકોણને લોકોમાં વિકસાવવાના હેતુથી સ્વ. રાજેશભાઈને ફૂલહાર અર્પણ કરવાની જગ્યાએ *એક વૃક્ષ એક જીવન* ના સંદેશ સાથે વૃક્ષોનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિને વૃક્ષનું રોપું આપી તેને વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરવામાં આવી હતી. શોકને સમાજહિત અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પમાં પરિવર્તિત કરતો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો.
આ પ્રસંગે આગેવાન શ્રી હસમુખ રાઠોડે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને સાચી શ્રદ્ધાંજલિ માત્ર શબ્દો કે પુષ્પાંજલિથી નહીં, પરંતુ સમાજ અને પ્રકૃતિને ઉપયોગી એવા કાર્યો દ્વારા આપી શકાય છે. જો દરેક પરિવાર પોતાના જીવનના શુભ અને શોકના પ્રસંગોમાં વૃક્ષારોપણ અથવા વૃક્ષ વિતરણ જેવી પહેલ કરે તો પર્યાવરણ સંરક્ષણનું એક મોટું જનઆંદોલન ઊભું થઈ શકે.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
