અધિક માસમાં નવતર સેવા યજ્ઞ : ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા જરૂરિયાતમંદ બહેનોને “અધિકે પંચમ તીર્થ દર્શન” યાત્રાનો લાભ
પવન એક્સપ્રેસ

ભારત વિકાસ પરિષદ, પાલનપુર પશ્ચિમ શાખાની મહિલા ટીમ દ્વારા અધિક માસના પવિત્ર અવસરે એક અનોખો અને સેવાભાવી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. શાખા દ્વારા જરૂરિયાતમંદ બહેનોને ઉત્તર ગુજરાતના પવિત્ર પાંચ ધામના દર્શન કરાવવા માટે “અધિકે પંચમ તીર્થ દર્શન” યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ યાત્રા દરમિયાન બહેનોને એ.સી. બસ દ્વારા સુવિધાસભર પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. સાથે સવારે નાસ્તો તેમજ બપોર અને સાંજના ભોજનની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રામાં સામેલ તમામ બહેનોને સ્નેહભેટરૂપે સાડી અર્પણ કરવામાં આવી હતી, જેને કારણે બહેનોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

યાત્રા દરમિયાન બહેનોએ ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ પાંચ ધામોના દર્શનનો લાભ લીધો હતો, જેમાં શ્રી અર્ડેશ્વર મહાદેવ, સિદ્ધપુર, શ્રી ઉમિયા માતાજી મંદિર, ઊંઝા, શ્રી ગોગા મહારાજ મંદિર, દાસજ, શ્રી ગણપતિ દાદા મંદિર, એઠોર તથા શ્રી વાણીનાથ ધામ (મીની સોમનાથ), તરભ નો સમાવેશ થાય છે.
આ સેવા કાર્યમાં શાખાની મહિલા સહભાગીતા શ્રીમતી સ્મિતાબેન જોશી, મહિલા સહ-સહભાગીતા શ્રીમતી કલ્પનાબેન મહેશ્વરી અને શ્રીમતી લીનાબેન જુડાલ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના કન્વીનર તરીકે શ્રીમતી પ્રીતિબેન મહેશ્વરી એ સમગ્ર આયોજનનું સફળ સંકલન કર્યું હતું. તેમજ પ્રાંત મહિલા સહભાગીતા શ્રીમતી મીનાબેન મહેશ્વરી ના માર્ગદર્શન સાથે શાખાની અન્ય બહેનો પણ આ સેવાકાર્યમાં ઉત્સાહપૂર્વક જોડાઈ હતી.
આ સમગ્ર યાત્રા માટે સ્વ. નર્મદાબેનની સ્મૃતિમાં તેમના પુત્ર શ્રી રશ્મિતભાઈ પટેલ દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમના તરફથી યાત્રા માટે એ.સી. બસ તેમજ તમામ બહેનો માટે નાસ્તા અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. શાખા પરિવાર દ્વારા તેમના આ સેવાભાવી યોગદાન માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા અધિક માસમાં કરવામાં આવેલો આ નવતર સેવા પ્રયોગ સમાજમાં સેવા, સંસ્કાર અને સમર્પણના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે અને જરૂરિયાતમંદ બહેનોના જીવનમાં આધ્યાત્મિક આનંદનો સુંદર અવસર બની રહ્યો છે.
– પ્રસિદ્ધિ વિભાગ
ભારત વિકાસ પરિષદ, પાલનપુર પશ્ચિમ શાખા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
