બનાસકાંઠા: RTE હેઠળ ધોરણ-૧ માં મફત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ૪ એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ: બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિની મહત્વની જાહેરાત.
RTE એડમિશન ૨૦૨૬-૨૭: બનાસકાંઠામાં ફોર્મ ભરવા માટે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર કાર્યરત.
ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા ‘મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯’ (RTE) ની કલમ ૧૨(૧)સી અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં ૨૫ ટકા અનામત બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વિનુભાઈ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જે બાળકોએ ૧ લી જૂન, ૨૦૨૬ના રોજ ૬ વર્ષ પૂર્ણ કર્યા હોય, તેઓ આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે પાત્ર ઠરે છે. આ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે. વાલીઓએ આગામી તારીખ ૦૪ એપ્રિલ, ૨૦૨૬ થી ૧૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન સત્તાવાર વેબસાઇટ www.rte.orpgujarat.com પર જઈને અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પુરાવા અને અન્ય ટેકનિકલ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી જિલ્લા કક્ષાએ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વાલીઓના માર્ગદર્શન અને સહાયતા માટે ‘નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, કૈલાશ મંદિર પાસે, બેચરપુરા’ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની મૂંઝવણ કે માહિતી માટે વાલીઓ કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી શકે છે અથવા હેલ્પલાઇન નંબર ૦૨૭૪૨-૨૫૩૧૮૯ પર ફોન કરી શકે છે. વધુમાં, જરૂર જણાય તો નોડલ અધિકારી ડૉ. એસ. ડી. જોષી (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બનાસકાંઠા-પાલનપુર) નો પણ સંપર્ક કરી શકાશે.
જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વધુમાં વધુ પાત્રતા ધરાવતા બાળકો આ યોજનાનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
