હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરાઈ
કમોસમી વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
હવામાન વિભાગ, અમદાવાદની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ થી ૨૧/૦૩/૨૦૨૬ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. ખાસ કરીને તારીખ ૧૮ અને ૧૯ માર્ચના રોજ પવનની ગતિ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક રહેવાની અને સાથે વરસાદ થવાની સંભાવના છે.
આ પરિસ્થિતિને ધ્યાને લેતા બનાસકાંઠા નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) અને સબ સેન્ટરોને સૂચના આપવામાં આવી છે કે, ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ કે બોરીઓ પલળી ન જાય તે માટે સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે.
વધુમાં, ખેડૂતો અને વેપારીઓને અનાજ પરિવહન દરમિયાન પણ ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. વરસાદ અને તેજ પવનની આગાહીને જોતા નાગરિકોને સાવચેતીના પગલા લેવા તથા વાવેતર અને બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ હોવાથી યોગ્ય પગલાં લેવા વહીવટી તંત્ર દ્વારા જણાવ્યું છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
