વિશ્વ સાપ દિવસ નિમિત્તે દિશા ફાઉન્ડેશન દ્વારા સાપ જાગૃતિ કાર્યક્રમ અને સફળ કોબ્રા રેસ્ક્યૂ

પાલનપુર, તા. 16 જુલાઈ: વિશ્વ સાપ દિવસના અવસરે પાલનપુર તાલુકાના સાગ્રોસના ગામની પ્રાથમિક શાળામાં આશરે 5 ફૂટ લાંબા ઝેરી કોબ્રા (Indian Cobra) પ્રજાતિના સાપનું દિશા ફાઉન્ડેશનની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
સાપને સુરક્ષિત રીતે પકડીને વન વિભાગના નિયમો મુજબ યોગ્ય કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો. રેસ્ક્યૂ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નહોતી.
આ પ્રસંગે દિશા ફાઉન્ડેશનના પ્રકાશ બોરેશા દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો માટે સાપ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં સાપનું પર્યાવરણમાં મહત્વ, ઝેરી અને બિનઝેરી સાપ વચ્ચેનો તફાવત, સાપ દેખાય ત્યારે ગભરાશો નહીં, તેને મારશો નહીં અને તાત્કાલિક પ્રશિક્ષિત રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરવો જેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી.
પ્રકાશ બોરેશાએ જણાવ્યું કે સાપ ખેડૂતોના મિત્ર છે. તેઓ ઉંદર જેવા પાકને નુકસાન પહોંચાડતા પ્રાણીઓની સંખ્યા નિયંત્રિત કરીને કુદરતી સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી સાપનું સંરક્ષણ કરવું દરેક નાગરિકની જવાબદારી છે.
દિશા ફાઉન્ડેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય સાપ અથવા અન્ય વન્યજીવ જોવા મળે તો તેને નુકસાન પહોંચાડ્યા વગર તરત જ પ્રશિક્ષિત રેસ્ક્યૂ ટીમ અથવા વન વિભાગને જાણ કરવી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
