પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ડીસા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો, ૫૫૧ યુનિટ બ્લડ એકત્રિત કરાયું
રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયક સહિતના મહાનુભાવોએ રક્તદાન કર્યું
સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અપીલ બાદ તાજેતરમાં જિલ્લામાં અલગ અલગ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આજરોજ પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ડીસા ખાતે સ્વૈચ્છિક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કેમ્પમાં રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયક સહિતના મહાનુભાવોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા ઉપસ્થિત રહીને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. ફાઉન્ડેશન દ્વારા દાતાઓને ભેટ આપવામાં આવી હતી.
આ તકે ફાઉન્ડેશનના ચેરમેનશ્રી પી.એન.માળીએ જણાવ્યું હતું કે, નાગરિકોના સહયોગથી આજે ડીસા ખાતે કુલ ૫૫૧ યુનિટ રક્ત એકત્રિત કરાયું છે. બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, ગાયત્રી બ્લડ સેન્ટર ડીસા, ભૂમિ બ્લડ સેન્ટર પાલનપુર તથા ભણસાલી અને સંકલ્પ બ્લડ સેન્ટર ડીસા ખાતે આ રક્તને સાચવવામાં આવશે. વિષમ પરિસ્થિતિમાં દેશના વીર જવાનો અને નાગરિકોને જ્યારે પણ રક્તની જરૂર પડે ત્યારે સેવાભાવિ સંસ્થાઓ સહિત અમે લોકો સેવા માટે હર હંમેશા સેવા માટે તૈયાર છીએ. આ રક્ત દેશના જવાનોને સમર્પિત છે.
અગાઉ જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જિલ્લાની સેવાભાવિ સંસ્થાઓ, એન.જી.ઓ સહિતના લોકો સાથે બેઠક કરીને રક્તદાન કરવા અપીલ કરી હતી. જેમાં “માં” ભોમની રક્ષા કાજે લડતા વીર સૈનિકોને કે સરહદ પર વસતા નાગરિકોને કોઈપણ પરિસ્થિતિમાં ઈજા થાય અને જો લોહીની જરૂર પડે તો તેને પૂરું પાડવા માટે આપણે સૌએ આગળ આવી રક્તદાન કરવા તંત્ર તરફથી નાગરિકોને અપીલ કરાઈ હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply