વિશ્વવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળ્યો.

લાખો માઇ ભક્તો મંદિરમાં માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા, ત્યારે તેમના પગરખાં અને સામાનની સુરક્ષિત વ્યવસ્થાનું મહત્વ વધ્યું.આ પ્રસંગે પગરખાં ઘર અને લગેજ સેન્ટર યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ બન્યાં. અહીં ભક્તો નિર્ભયતાથી પોતાનાં પગરખાં અને સામાન રાખીને માંના દર્શનનો આનંદ માણી શક્યા.

યાત્રાળુ શ્રી રાઠોડ ફુલાજીએ જણાવ્યું કે, “અમે દર પાંચ વર્ષે માતાજીના દર્શન માટે આવીએ છીએ. અહીં પગરખાં તથા થેલાં મુકવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સફાઈ પણ ઉત્તમ છે. એ બદલ મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ.”પદયાત્રી જગદીશભાઈ ગોહેલએ ઉમેર્યું કે, “અમે દર વર્ષે થરાદથી પગપાળા અંબાજી આવીએ છીએ. સામાન મુકવાની સુવિધા ખરેખર સારી છે, જેથી યાત્રા નિર્વિઘ્ન બને છે.”પગરખાં કેન્દ્ર ખાતે સ્વયંસેવક તરીકે ફરજ બજાવતા અરુણ કુમારએ જણાવ્યું કે, “અંબાજી આરાસુરી ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક પગરખાં કેન્દ્રની શરૂઆત કરાઈ છે. આથી યાત્રાળુઓને પગરખાં કે સામાન ચોરી થવાનો ભય રહેતો નથી. સૌ યાત્રિકો શાંતિપૂર્વક દર્શન કરી શકે છે.”આવી સુવિધાઓને કારણે અંબાજી યાત્રાધામમાં આવનાર લાખો ભક્તોનો અનુભવ વધુ પવિત્ર, આરામદાયક અને યાદગાર બન્યો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
