‘‘સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા માનવસેવા એ જ પ્રભુસેવા લગત સારી કામગીરી’’
હાલના આધુનિક ટેકનોલોજીના યુગમાં એન્ડ્રોઇડ મોબાઇલનો વપરાશ વધવાના લીધે સાયબર ક્રાઇમના બનાવોનું પ્રમાણ પણ વધી રહેલ છે. જેમાં પબ્લિકને એન્ડ્રોઇડ મોબાઇલ વાપરતાં નહી આવડતું હોવાના કારણે અથવા તો સાચી જાણકારીના અભાવે ક્યારેક મોટી મુસીબત ઉભી થાય છે.
હાલમાં સાયબર ગઠિયાઓ દ્વારા વિવિધ ટેકનિકો વાપરીને આમજનતાને ભોળવી રહ્યા છે અને ઓટીપી દ્વારા, ફીશીંગ લીંક મોકલીને, લોન એપ, પીએમ કિસાનનિધી ફેક એપ, ફેસબુક એકાઉન્ટ હેકીંગ, ડીજીટલ એરેસ્ટ, ન્યૂડ વિડીયોકોલ, ટેલીગ્રામ ટાસ્ક ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, શેરમાર્કેટમાં ઓનલાઇન ઇન્વેસ્ટ ઉપરાંત અન્ય બીજી કેટલીયે રીતે લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બનાસકાંઠા-પાલનપુરની ટીમ દ્વારા જીલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બની રહેલ અરજદારોની વેદનાઓને હકારાત્મક અભિગમ દ્વારા તેમના બનાવની વિગતો સાંભળીને સચોટ માર્ગદર્શન આપીને સાંત્વના આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં યુવાનો ન્યૂડ વિડીયોકોલમાં છેતરાઇ રહ્યા છે તથા અન્ય પ્રજાજનો ડીજીટલ એરેસ્ટ તેમજ ઓનલાઇન ઇન્વેસ્ટ માં વધુ પ્રમાણમાં સાયબર ફ્રોડનો ભોગ બની રહયા છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં દર માસે ૩૦૦ થી વધુ અરજદારો દ્વારા ઓનલાઇન કમ્પ્લેન કરવામાં આવે છે તે સિવાયના કેટલાયે અરજદારો તો પોતાનું નામ જાહેર થવાની બીકથી કમ્પ્લેન પણ કરતા નથી.
હાલમાં બની રહેલ ન્યૂડ વિડીયોકોલ વાળા બનાવમાં સોશિયલ મિડીયા દ્વારા રાત્રિના સમયે અજાણી યુવતીનો વિડીયોકોલ આવતાં જે રિસીવ કરતાં સામે યુવતી નગ્ન અવસ્થામાં હોય છે અને તે કોલ રિસીવ કરનારને પણ એકલામાં જઇને નગ્ન થવા પ્રેરે છે. જેમાં કેટલાક ભોળા યુવાનો લલચાઇ જઇને નગ્ન પણ થઇ જતા હોય છે અને એ વિડીયોકોલ કરનાર યુવતી દ્વારા તે વિડીયોકોલનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી દઇને કોલ રિસીવ કરનારનો નવો ન્યૂડ વિડીયો બનાવી દે છે. જે ન્યૂડ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરી પૈસા પડાવે છે. જેમાં ભોગ બનેલ યુવાનોને યુ-ટ્યુબ અધિકારી ઉપરાંત પોલીસ અધિકારીના નામથી પણ ફ્રોડકોલ આવે છે અને તેઓ પણ બ્લેકમેઇલ કરીને પૈસા પડાવે છે. આ બનાવમાં એક યુવાને વિડીયો વાઇરલ થઇ જવાના ડરથી સ્યૂસાઇડ પણ કરી લીધેલનો બનાવ બનવા પામેલ છે.
ડીજીટલ એરેસ્ટ લગત બનાવમાં પોલીસ અધિકારીના નામથી અજાણ્યા ફ્રોડ વ્યક્તિનો કોલ આવે છે અને તે આધારકાર્ડનું નામ-સરનામું જણાવીને આધારકાર્ડનો દુરૂપયોગ થયેલ હોવાનું જણાવીને નારકોટીક્સ – ડ્રગ્સ કે હથિયારોનો ખરીદી થયેલ હોવાનું ખોટું જણાવીને વિડીયોકોલ કરીને પોલીસ ચોકી જેવું બતાવીને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવે છે. આ બનાવમાં પણ કેટલાયે લોકો ફસાઇ રહ્યા છે.
જો કોઇની સાથે સાયબર ક્રાઇમ લગત ફાઇનાન્શિયલ ફ્રોડ કે સોશિયલ મિડીયા ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા અપીલ કરવામાં આવે છે. તે ઉપરાંત સાયબર ફ્રોડથી બચવા માટે કોઇપણ અજાણ્યા વ્યક્તિઓના વિશ્વાસમાં આવી જઇને પોતાની કોઇ માહિતી શેર કરવી નહી કે કોલ કરનાર જેમ કહે તેમ કોઇ પ્રોસેસ કરવી નહી.
ખરેખર સાયબર ક્રાઇમ ટીમ દ્વારા માનવીય અભિગમ દ્વારા માનવસેવા એ જ પ્રભુસેવા સુત્ર સાર્થક કરતાં આમજનતાને જરૂરી મદદ મળી રહે છે. જીલ્લા પોલીસ વડાની સાયબર ક્રાઇમ ટીમની મદદ કરવાની ભાવના ખરેખર સરાહનીય છે.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply