.
ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન:- કલેકટરશ્રી મિહિર પટેલ
મેળામાં પોલીસ વિભાગ “ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન” તરીકે કામ કરશે:- પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે
પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત : ૩૩૨ થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ
દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ કાર્યરત
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ૧ થી ૭ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે.
પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવશે. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. વિસામાની સંખ્યામાં પણ વધારો કરાયો છે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ “ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન” તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે ‘શી’ ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૩૨ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, અંબાજીથી ૬૦ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં ૩૧૦૭ જેટલા પદયાત્રી સંઘોને મંજૂરી તથા ૨૫૭ જેટલા સેવા કેમ્પોને મંજૂરી અપાઈ છે. અત્યારસુધી ૮૬૫૨ જેટલા ઓનલાઇન વાહન પાસ ઇસ્યૂ કરાયા છે. આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં દાંતા પ્રાંત અધિકારીશ્રી હરિણી કે.આર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુમન નાલા સહિત બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply